જૂનાગઢમાં એજન્સી-વેપારીઓની મિલીભગતથી તુવેર ખરીદીમાં કૌભાંડ!!

વેપારીઓએ નીચા ભાવે ખરીદેલ તુવેરને ટેકાના ભાવે વેચવાનું કારસ્તાન: ખેડૂતોનો માલ વેચાતો નથી: એજન્સીઓને પાસવર્ડ ન અપાતા રજીસ્ટ્રેશન બંધ: મામલો કલેકટર સુધી પહોંચ્યો જુનાગઢ તા.14
સરકાર તુવેરના પોષણક્ષમ ભાવે ખરીદી કરવાની મોટી જાહેરાતો કરી રહી છે ત્યારે કોઈ કારણોસર એજન્સીઓને પાસવર્ડ ન મળતા ઓનલાઈન રજીસ્ટર થતું નથી જેનો સીધો ફાયદો એજન્સીઓ ઉઠાવી રહી હોવાની કેડુતો દ્વારા આંગળી ચીંધાય રહી છે. ખેડુતો ચાર ચાર દિવસથી પોતાનું રજીસ્ટ્રેશન કરાવવા સવારના 4 વાગ્યાથી મોડી સાંજ સુધી હેરાન પરેશાન થઈ રહ્યા છે. જુનાગઢ જીલ્લાના ખેડુતો શનીવારથી રજીસ્ટ્રેશન માટે હેરાન થઈ રહ્યા છે પરંતુ એજન્સીઓ દ્વારા ઓછા માણસો મુકવા, રજીસ્ટરમાં જગ્યાઓ કોરી મુકવી જેવી બાબતોના કારણે છેલ્લા બે દિવસથી હોબાળા થઈ રહ્યા છે તેથી જીલ્લાના ઉચ્ચ અધિકારીઓને આ બાબતે દોડવું પડી રહ્યું છે.
જુનાગઢમાં પોષણક્ષમ ભાવે તુવેરની ખરીદી માટે નવા પીપળીયા વેચાણ અને રૂપાંતર સહકારી મંડળીને એજન્સી આપવામાં આવી છે. સરકાર દ્વારા થયેલ જાહેરાત મુજબ શનીવારથી ઓનલાઈન રજીસ્ટ્રેશન અને મંગળવારથી ખરીદી શરૂ કરવાની હતી. પરંતુ શનીવારે એજન્સીના લોકો બપોર સુધી યાર્ડ પર આવેલ ન હતા. જયારે હજારો ખેડુતો જીલ્લાભરમાંથી સવારના 4 વાગ્યે આવી લાઈનમાં ઉભા રહી ગયેલ બપોરે કીશાન સંઘે મોરચો માંડયો હતો અને પ્રાંત અધિકારી, જીલ્લા ખેતીવાડી અધિકારીએ આવીને સોમવારથી રજીસ્ટ્રેન કરવાની અને પુરતો સ્ટાફ રાખવાની સુચના આપતા મામલો થાળે પડયો હતો.
સોમવારે એજન્સીએ બે ટેબલ રાખી ચોપડામાં રજીસ્ટ્રેશનમાં ખેડુતોના નામ નોંધવાના ચાલુ કર્યા હતા અને એક કાગળમાં સીકકા મારી ટોકન જેવા કાગળો પકડાવામાં આવ્યા હતા ત્યારે પણ હોબાળા મચ્યો હતો અને ખેડુતો રોષે ભરાયા હતા આજ પ્રક્રિયા આજે શરૂ કરવામાં આવી હતી અને રજીસ્ટરમાં ખાલી ખાડા રાકવામાં આવતા અને ટોકનના નામે આપેલી ચબરખીના નંબર પર અન્યોના નામ લખાયેલ હોવાથી ખેડુતોમાં રોષ પ્રગટયો હતો અને આખો દિવસ ધમાલ મચી જવા પામી હતી.
દરમ્યાન પત્રકારો દ્વારા જીલ્લા કલેકટરને જાણ કરાતા જીલ્લાના બે ઉચ્ચ અધિકારીઓને યાર્ડ ખાતે મોકલાયા હતા અને રજીસ્ટર ચેક કરતા રજીસ્ટરમાં ખાડા જણાયા હતા ત્યારે એજન્સીએ એવો બચાવ કર્યો હતો કે એ ખેડૂતો ગેરહાજર છે. પરંતુ હાજર ખેડુતોનો એવો આક્ષેપ હતો કે ત્યાં વેપારીઓની તુવેર સગેવગે કરવા ખાડા રખાયા છે.
છેલ્લા 4 દિવસથી પરેશાન ખેડુતો અને છેલ્લા બે દિવસના ઘટનાક્રમ અને ખેડુતોના આક્ષેપ પ્રમાણે જે મંડળીને એજન્સી અપાઈ છે તે ખેડુતોએ નીચા ભાવે કરેલ ખરીદીવાળી તુવેર ઘુસાડી દઈ ભ્રષ્ટાચાર કરવા માંગે છે અને પોતાના લાગતા વળગતાઓની તુવેર લઈ લેવા માટે ખેડુતોને કલાકો સુધી લાઈનમાં ઉભા રાખી પોતાની મેલી મુરાદ પાર પાડવાનો કીમીયો કરી રહ્યા છે.
જુનાગઢ યાર્ડની જ વાત કરીએ તો જુનાગઢ યાર્ડમાં છેલ્લા દોઢ માસથી એક હજાર કવીન્ટલ જેટલી તુવેર દાળ રૂા.600થી 700ના ભાવની વેપારીઓએ ખરીદી કરી લીધી છે અને સરકારે પોષણક્ષમ ભાવ એક હજાર ઉપર બહાર પાડેલ છે ત્યારે મોટો નફો કમાવા લાગતા વળગતા અને અમુક લોભીલાલાઓ એજન્સી સાથે સાઠ ગાઠ કરી ખરીદેલી તુવેર ઘુસાડવા માટેના રૂટીંગ ગોઠવી દેવાયાના જાહેરમાં આક્ષેપ થતા હતા અને આ મંડળીમાં એક કર્મચારીને અમુક ખેડુત કે વેપારી દ્વારા તુવેર લઈ લેવા માટે રૂપિયાની ઓફર પણ થતી હોવાની વાત છે ત્યારે ખેડુતોમાં ભારે નારાજગી પ્રવર્તી છે અને એજન્સી મેળવનાર મંડળી સામે ભ્રષ્ટાચાર કરાશે તેવી શંકા સાથે આક્ષેપો થવા પામ્યા છે.
સામા પક્ષે એજન્સીના અમુક માણસો જે કર્મચારી નથી તેવાને કામમાં જોતરાવામાં આવ્યા છે અને હજારો ખેડુતોના આક્ષેપો થવા પામ્યા છે ત્યારે પોતાના મળતીયાઓની સહી કરાવી કામગીરી યોગ્ય ચાલે છે તેવી સહીઓ કરાવી જીલ્લા કલેકટર પાસે વટ પાડવાની પેરવી પણ કરાઈ હતી જેનો ખેડુતોએ પણ ભારે વિરોધ કર્યો છે તેમજ આ મંડળીને અપાયેલી એજન્સી રદ કરવામાં આવે તેવી ખેડુતોમાંથી પ્રબળ માંગણી ઉઠવા પામી છે. (તસ્વીર: મિલન જોશી)