6 જિલ્લાના 17 તાલુકામાં પાઇપલાઇનથી ગેસ વિતરણ કરવાની જાહેરાત કરાઇ

દરિયાકાંઠાના 83 ગામ સહિત 748 ગામડાઓને પાઇપલાઇન સાથેના નેટવર્કથી જોડાશે: વિધાનસભામાં મંત્રી સૌરભ પટેલની જાહેરાત
ગાંધીનગર તા.14
આગામી સમયમાં રાજ્યના 6 જિલ્લા અને 17 તાલુકાઓમાં ગેસ ગ્રીડ દ્વારા ગેસ આપવાનું નક્કી કરાયું છે. દેશમાં એકમાત્ર ગુજરાત જ એવું રાજ્ય બનશે કે જ્યાં 100 ટકા વિસ્તારમાં પાઈપલાઈન દ્વારા ગેસ પહોંચાડાશે.
વિધાનસભા ગૃહમાં ઊર્જા વિભાગના બજેટ પરની ચર્ચા બાદ તેના જવાબમાં મંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ગેસ ગ્રીડનું નેટવર્ક સ્થાપવામાં આવ્યું છે. હાલ છ જિલ્લા અને 17 તાલુકામાં પાઈપલાઈનથી ઘરેલું ગેસ અને ઉદ્યોગો માટે ગેસ પહોંચાડવાનું બાકી છે. આ બાકી રહેલી વિસ્તારોને પણ ગેસગ્રીડથી ગેસ આપવાનું આયોજન કરાયું છે. આ માટે પીએનજી આરબી દ્વારા બીડીંગ પણ ઓફર કરાયા છે. આ કામગીરી પૂરી થતાં જ આખા ગુજરાતમાં 100 ટકા પાઈપ લાઈન નેટવર્કથી ગેસ અપાશે. ઊર્જા મંત્રી સૌરભ પટેલે કહ્યું હતું કે, દેશભરના પાઈપ લાઈન નેચરલ ગેસના 46 ટકા જોડાણો માત્ર ગુજરાતમાં છે. એવી જ રીતે દેશભરના સીએનજી સ્ટેશનો પૈકી 32 ટકા સ્ટેશનો એકલા ગુજરાતમાં છે. રાજ્યભરમાં 17,98,660 પાઈપલાઈન નેચરલ ગેસના ઘરેલું જોડાણો આવેલા છે. જે દેશના કુલ ગેસ-જોડાણોના 46 ટકા જેટલા છે. રાજ્યવ્યાપી ગેસ ગ્રીડ દ્વારા રાજ્ય સરકારે રાજ્યના પ્રત્યેક ઘરમાં પાઈપ લાઈનથી ઘરેલું ગેસ પહોંચાડવાનું નક્કી કર્યું છે. જે હવે ટૂંક સમયમાં અમલમાં મૂકાશે. રાજ્યના દરિયા કાંઠાના 83 ગામ, 60 આદિવાસી ગામ, અન્ય 605 ગામ મળીને કુલ 748 ગામડાઓને પણ પાઈપ લાઈનથી ઘરેલું ગેસ નેટવર્ક સાથે સાંકળી લેવાશે.