પડવલા ગામે બે ગરાસિયા જૂથ વચ્ચે ધીંગાણું: ફાયરિંગ

ફાયરિંગમાં ઘવાયેલા શાપરના આધેડ અને પડવલાના યુવાનને સારવારમાં ખસેડાયા, પોલીસે બન્ને પક્ષોની ફરિયાદ પરથી સામસામે હત્યાની કોશિશનો ગુનો નોંધ્યો
રાજકોટ તા.14
કોટડા સાંગાણીના પડવલા ગામે ગત રાત્રે બે ગરાસિયા જૂથ વચ્ચે ધીંગાણુ થતા સામસામે ફાયરીંગ થયા હતા જેમાં બે લોકો ગંભીર રીતે ઘવાયા હતા આ અંગે પોલીસે બન્ને પક્ષોની ફરિયાદ પરથી સામસામે હત્યાની કોશિષનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. કોટડા સાંગાણી અને શાપર વચ્ચે રોડ પર સામસામે કાર આવી જવા જેવી સામાન્ય બાબતમાં ડખ્ખો થયો હતો.
જાણવા મળતી વિગત મુજબ શાપર વેરાવળમાં ભુમી પાર્ક રેશી નં.4માં રહેતા હરદેવસિંહ દિલુભા જાડેજા (ઉ.વ.48) ગત રાત્રે પડવલા ગામે હતા, ત્યારે જયદેવસિંહ અજીતસિંહ જાડેજા, યોગેન્દ્રસિંહ અજીતસિંહ, ભગીરથસિંહ સંપતસિંહ જાડેજા, વિપુલસિંહ સંપતસિંહ જાડેજા, સંપતસિંહ રણુભા જાડેજા, ગુણુભા ભીખુભા જાડેજા અને અરવિંદસિંહ ગુણુભા જાડેજાએ ગેરકાયદેસર હથિયારો ધારણ કરી તલવાર તથા પાઇપ જેવા હથીયારો વડે જીવલેણ હુમલો કરી બાર બોરની બંદુકમાંથી ફાયરીંગ કરતાં હરદેવસિંહને પડખામાં તથા છાતીના ભાગે ગંભીર ઇજા થતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જયાંથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે.
આ અંગે શાપર પોલીસે ઇજાગ્રસ્ત હરદેવસિંહના પત્ની ગાયત્રીબાની ફરિયાદ પરથી જયદિપસિંહ સહિત સાતેય આરોપીઓ સામે હત્યાની કોશિષ, આર્મ્સ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
જ્યારે સામે પક્ષે પડવલા ગામે રહેતા જયદિપસિંહ અજીતસિંહ જાડેજાને પણ ઇજા થતા તેને
સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે આ અંગે જયદિપસિંહની ફરિયાદ પરથી શાપર પોલીસે હરદેવસિંહ દિલુભા જાડેજા, ગાયત્રીબા હરદેવસિંહ જાડેજા, દામજી પટેલ, હરદેવસિંહનો ડ્રાઇવર સતીષ, ગાયત્રીબાનો ડ્રાઇવર ગોપાઇ તથા હરદેવસિંહના જેસીપીના ડ્રાઇવરવિરૂદ્ધ હત્યાની કોશિષનો ગુનો નોંધ્યો છે.
પ્રાથમીક તપાસમાં શાપર વેરાવળ રહેતા ગાયત્રીબાની વાડી પડવલાની સીમમાં આવેલી હોય ગાયત્રીબા ગઇ કાલે પોતાની કાર લઇ વાડીએથી પરત આવતા હતા ત્યારે જયદિપસિંહ કાર લઇ શાપરથી પડવલા જતા હતા ત્યારે રસ્તામાં બન્નેની કાર સામસામે આવી જતાં ડખ્ખો થયો હતો. આ અંગે શાપર પી.આઇ. વાય.બી. રાણા, શાપર કિરીટસિંહ, દિલીપભાઇ સહિતના સ્ટાફે સામસામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.