જૂના યાર્ડમાં લાગેલી ભીષણ આગ 20 કલાકે પણ બેકાબૂ

આગને કારણે સરકારી ગોડાઉનમાં પડેલો બારદાનનો કરોડોનો જથ્થો ખાખ: ટ્રક, એક દુકાન, ગુજકોમાસોલની ઓફિસ પણ ઝપટમાં જો કે સાહિત્ય બચાવી લેવાયું રાજકોટ તા. 14
રાજકોટ શહેરના જુના માર્કેટિંગ યાર્ડમાં મંગળવારે સાંજે અચાનક કોઈ કારણોસર સરકારી બારદાનના ગોડાઉનમાં ભીષણ આગ ભભૂકી ઉઠતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે 18 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં આગ ઉપર કાબુ મેળવાયો નથી ત્યારે ગુજકોટના ગોડાઉનમાં આગને પગલે કલેક્ટર સહિતના અધિકારીઓ દોડી ગયા હતા અને કલેક્ટરના મૌખિક આદેશ અનુસાર બી ડિવિઝન પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે પોલીસ દ્વારા મજૂરો, ટ્રકચાલક અને ગુજકોટના અધિકારીઓની પૂછતાછ કરવામાં આવશે હાલ સળગી ગયેલા તમામ બારદાનના જથ્થાને જેસીબી મારફતે બહાર કાઢી તેના ઉપર સ્પ્રે મારી તેમજ જે બારદાનમાંથી ધુમાડો નીકળી રહ્યો છે ત્યાં પણ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આગને કારણે કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાની શંકા સેવાઇ રહી છે.
મંગળવાર સાંજે જુના માર્કેટિંગ યાર્ડમાં ગુજકોટના ભાડે રાખેલા બારદાનના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવતા ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો પરંતુ આગ એટલી વિકરાળ હતી કે તેના ઉપર કાબુ મેળવવો મુશ્કેલ હોય આ અંગે મેજર કોલ જાહેર કરવામાં આવતા જૂનાગઢ, જામનગર, ગોંડલ, જેતપુર સહિતના પંથકમાંથી ફાયર બ્રિગેડની ટિમો દોડાવવામાં આવી હતી સતત 14 કલાકથી અવિરત આગ ઉપર કાબુ મેળવવામાં હજુ સફળતા પ્રાપ્ત થઇ નથી ફાયર ઓફિસર બી જે ઠેબાએ જણાવ્યું હતું કે 20 લાખથી વધુ બારદાન બળીને ખાખ થઇ ગયા છે 5 લાખ જેટલા બારદાન બચાવી લીધા છે અત્યાર સુધીમાં જે બારદાન બળી ગયા છે તે બારદાન જેસીબી મારફતે હટાવી તેના ઉપર સ્પ્રે મારવામાં આવી રહ્યો છે જયારે બાકીના જે બારદાનમાંથી ધુમાડો નીકળી રહ્યો છે તેના ઉપર સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે આગને લીધે ગુજકોટની ઓફિસ પણ ચપેટમાં આવી ગઈ હતી પરંતુ મહત્વના દસ્તાવેજો બળીને ખાખ થાય તે પૂર્વે બચાવી લેવામાં આવ્યા હતા. આગને કારણે કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાની શંકા સેવાઇ રહી છે. ગુજકોટ વેર હાઉસિંગના અધિકારીનું નિવેદન
ગુજકોટની ટિમ અમદાવાદથી રાજકોટ આવવા રવાના થઇ ગઈ છે ત્યારે વેર હાઉસિંગના અધિકારી મગનભાઈ આસવાડીયાએ આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે સમગ્ર સૌરાષ્ટ્રનો બારદાનનો જથ્થો જુના માર્કેટિંગ યાર્ડમાં રાખવામાં આવ્યો હતો સુરક્ષાના પૂરતા સાધનો હતા સમગ્ર મામલે એફ એસ એલ દ્વારા તપાસ કરી રિપોર્ટ તૈયાર કરવામાં આવશે આગને લીધે 18 કરોડ રૂપિયાનું નુકશાન થયું હોવાનો અંદાજ છે. શું કહે છે યાર્ડના ચેરમેન
રાજકોટ બેદી માર્કેટિંગ યાર્ડના ચેરમેન ડી કે સખીયા સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે અગાઉ આ જગ્યા ખાલી હતી ત્યારે આ જગ્યામાં મગફળી અને તુવેર ભરવા માટેના ખાલી બાળરાં રાખવા ગુજકોટ દ્વારા માંગવામાં આવતા સવા મહિના પહેલા આ જગ્યા ગોડાઉન તરીકે ખેડૂતોના હિતાર્થે આપવામાં આવી હતી ગઈકાલે તુવેરની ખરીદી કરવાની હોય પાંચેક ટ્રક બારદાન ભરવાનું શરુ કર્યું હતું અને અચાનક જ આગનો બનાવ બન્યો હતો જો કે સમગ્ર યાર્ડ સીસીટીવી કેમેરામાં નજરકેદ હોય તમામ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયું હોય પોલીસને જાણ કરી સીસીટીવી ફૂટેજ પોલીસને સોંપી દેવામાં આવ્યા છે.
પોલીસે શરૂ કરી પૂછતાછ
જિલ્લા કલેક્ટર વિક્રાંત પાંડે ઘટનાસ્થળે દોડી ગયા હતા અને તપાસના મૌખિક આદેશ અન્વયે બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે વધુ તપાસ હાથ ધરી છે જેમાં પોલીસ દ્વારા આગ લાગી તે પહેલા જે બારદાન ભરવામાં આવતા હતા તે ટ્રકના માલિકો, ક્લીનર અને ચાલકો તેમજ ગુજકોટના માલિકો અને મજૂરોની પૂછતાછ કરવામાં આવશે.
50 લાખ લિટરથી વધુ પાણીનો વેડફાટ
ગત સાંજથી શરુ થયેલ આગ ઉપર કાબુ મેળવવા ફાયર બ્રિગેડની 20 થી વધુ ગાડીઓ કામે લાગી છે એક ગાડી ખાલી થતા 15 થી 20 મિનિટ જેટલો સમય લાગે છે જેથી અત્યાર સુધીમાં 50 લાખ લિટરથી વધુ પાણીનો વેડફાટ થઇ ગયો હોય તેવું જાણવા મળ્યું છે પરંતુ હજુ આગના લબકારા ચાલુ હોય ફાયર બ્રિગેડ દ્વારા સતત પાણીનો મારો ચાલુ રાખવામાં આવ્યો છે. (તસવીર: પ્રવીણ સેદાણી/દિવ્યરાજસિંહ સરવૈયા)