કેન્દ્ર સરકાર પ્રોજેક્ટ ટાઇગરની પ્રગતિથી સંતુષ્ટ છેલ્લાં ચાર વર્ષમાં રૂા.966 કરોડ આપ્યા


જામનગર તા.14
ભારત સરકાર પ્રોજેક્ટ ટાઇગરની પ્રગતિથી સંતુષ્ટ છે અને છેલ્લાં ચાર વર્ષમાં આ યોજના હેઠળ રૂ.966 કરોડની નાણાંકીય સહાય આપી છે. વાઘમાંથી 70 ટકા વાઘ ભારતમાં છે અને તેમની સંખ્યા 2006માં 1411થી વધીને 2014માં 2226 થઈ છે. વૃધ્ધિનું કારણ ’વાઘ બચાવો’ યોજના હેઠળ અપાતી નાણાંકીય અને ટેકનિકલ મદદને કારણે છે. કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન રાજ્ય મંત્રી ડો.મહેશ શર્માએ રાજ્ય સભામાં માર્ચ 12, 2018ના રોજ સાંસદ શ્રી પરિમલ નથવાણીએ પૂછેલા પ્રશ્નના જવબામાં આ માહિતી ઉપલબ્ધ બનાવી હતી. વાઘની વસ્તી ધરાવતાં રાજ્યોને આ યોજના હેઠળ નાણાંકીય મદદ આપવામાં આવે છે. કેન્દ્ર સરકારે વર્ષ 2014-15માં રૂ. 175.02 કરોડ, વર્ષ 2015-16માં રૂ.154.85 કરોડ, વર્ષ 2016-17માં રૂ.342.25 કરોડ અને વર્ષ 2017-18માં (ફેબ્રુઆરી 2018 સુધીમાં) રૂ.294.09 કરોડની નાણાંકીય સહાય આપી છે, એમ નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.
નથવાણી વાઘ બચાઓ પરિયોજના હેઠળ ફાળવવામાં/આપવામાં આવેલા ભંડોળ, વાઘ બચાઓ યોજનાની પ્રગતિ, વાઘની છેલ્લી વસ્તી ગણતરીમાં વાઘની સંખ્યામાં થયેલી વૃધ્ધિ અંગે જાણવા માંગતા હતા. વાઘની વસ્તીગણતરી 2014 અનુસાર, દેશના 18 રાજ્યોમાં વાઘ જોવા મળે છે. ઝારખંડ રાજ્યમાં પલામુ રીઝર્વમાં વાઘ જોવા મળે છે. કેન્દ્ર સરકારે છેલ્લાં ચાર વર્ષમાં ઝારખંડ રાજ્યને રૂ.9 કરોડની નાણાંકીય સહાય વાઘ પરિયોજના હેઠળ આપી છે, વાઘની વસ્તી ગણતરી 2014 અનુસાર, કર્ણાટક, કેરળ, તામિલનાડુ અને ગોવાના સમાવેશ સાથેના વેસ્ટર્ન ઘાટ્સ લેન્ડસ્કેપ કોમ્પ્લેક્સમાં 776 વાઘ છે. આંધ્રપ્રદેશ (તેલંગાણા સહિત), છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓરીસ્સા, રાજસ્થાન અને ઝારખંડના સમાવેશ સાથેના સેન્ટ્રલ ઇન્ડિયન લેન્ડસ્કેપ કોમ્પ્લેક્સ અને ઇસ્ટર્ન ઘાટ્સ કોમ્પ્લેક્સમાં 688 વાઘ જોવા મળે છે. રાજ્ય પ્રમાણે, કર્ણાટકમાં સૌથી વધારે 406 વાઘ નોંધાયા હતા, ત્યાર બાદ ઉત્તરાખંડમાં 340 વાઘ અને મધ્યપ્રદેશમાં 308 વાઘ નોંધાયા હતા.