જામનગર શહેરમાંથી મોબાઇલ ચોરી કરનાર શખ્સ ગિરફતાર


જામનગર તા.14
જામનગર શહેરમાં જુદા જુદા વિસ્તારોમાંથી ગીરદીનો લાભ લઇ લોકોના ખિસ્સામાંથી મોબાઇલ ચોરી કરનાર એક તસ્કરને લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે ઝડપી પાડયો છે અને તેના કબ્જામાંથી 19 નંગ મોબાઇલ ફોન કબ્જે કર્યા છે. પોલીસની પુછપરછ દરમ્યાન તેણે જુદીજુદી 1પ જેટલી મોબાઇલ ફોનની ચોરી કર્યાનું કબુલી લીધું છે.
જામનગર શહેરમાં શાકમાર્કેટ, ગુજરી બજાર, જી.જી. હોસ્પીટલ સહિતના જુદાજુદા વિસ્તારોમાં ગીરદીનો લાભ લઇને લોકોના ખીસ્સામાંથી મોબાઇલ ફોનની ચોરી થયાની અનેક ફરીયાદો ઉઠી હતી અને તાજેતરમાં જ જામનગરની જી.જી. હોસ્પીટલમાં એક વેપારીના મોબાઇલ ફોનની ચોરી થયાની તેમજ દરબારગઢ શાકમાર્કેટ વિસ્તાર અને દિગ્જામ સર્કલ પાસે ચાની હોટલ નજીકથી અલગ-અલગ
ત્રણ વ્યકિતઓના ખીસ્સામાંથી મોબાઇલ ફોનની ચોરી થયાની ફરીયાદ સીટી બી ડીવીઝન તેમજ સીટી સી ડીવીઝન પોલીસમથકમાં નોંધાવાઇ હતી. જે દરમ્યાન ખંભાળીયા નાકા વિસ્તારમાં એક મોબાઇલ ફોનની દુકાને એક શખ્સ 19 જેટલા મોબાઇલ ફોન વેચવા માટે આવી રહ્યો છે તેવી બાતમીના આધારે શબ્બીર ઉર્ફે માઇકલ ઉમરભાઇ ખફી નામના સુમરા શખ્સને એલસીબીની ટીમે આંતરી લીધો હતો. જેના કબ્જામાંથી જુદીજુદી કંપનીના 19 નંગ મોબાઇલ ફોન મળ્યા હતા. દોઢ વર્ષથી કરતો હતો ચોરી
પોલીસ દ્વારા મોબાઇલ ફોન અંગે અને તેના બીલ આધાર અંગેની પુછપરછ કરતા તેણે ઉપરોકત તમામ મોબાઇલ ફોન શહેરના જુદાજુદા વિસ્તારમાંથી ચોરી કર્યાનું કબુલ્યું હતું. છેલ્લા દોઢેક વર્ષના સમયગાળા દરમ્યાન તેણે જામનગરની જી.જી. હોસ્પીટલમાં આવતા જતા દર્દીઓ ઉપરાંત શાકમાર્કેટ તથા અન્ય ભીડભાડવાળા વિસ્તારોમાં અને ગુજરી બજારમાં ખરીદી કરવા આવનારા લોકોના ખિસ્સામાંથી મોબાઇલ ફોન ચોરી કરી લેતો હોવાનું કબુલી લીધું હતું. તેણે દોઢ વર્ષ દરમ્યાન શહેરમાંથી 1પ જેટલા સ્થળોએથી મોબાઇલ ફોનની ચોરી કર્યાનું કબુલ્યુ હતું અને શહેરની અલગ-અલગ 1પ ચોરીનો ભેદ ઉકેલાઇ ગયો છે. એલસીબી દ્વારા શબ્બીર ઉર્ફે માઇકલ ઉમરભાઇ ખફીની ઘનિષ્ઠ પુછપરછ કરવામાં આવી રહી છે. આ કાર્યવાહી એલસીબીના પી.આઇ. આર.એ. ડોડીયાના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમે કરી હતી.