સિસ્ટર્સ ટક્કરમાં વિનસે સેરેનાને હરાવી

ઈન્ડિયન વેલ્સ તા,.14
વિશ્ર્વની પૂર્વ નંબર વન ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સનો પોતાની મોટી બહેન વિનસ વિલિયમ્સ સામે ઇન્ડિયન વેલ્સ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટના ત્રીજા રાઉન્ડમાં પરાજય મળતાં બહાર થઈ ગઈ છે. બાળકીને જન્મ આપ્યાના 15 મહિના બાદ ટેનિસ કોર્ટ પર સફળ વાપસીનો પ્રયાસ કરી રહેલી સેરેનાને વિનસે 6-3, 6-4થી પરાજય આપ્યો હતો. આ જીત સાથે વિનસ પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે જ્યાં તેનો સામનો લેટવિયાની અનાસ્તાસિયા સેવાસ્તોવા સામે થશે. સેવાસ્તોવાએ જર્મનીની જુલિયા ર્ગોજિસને 6-3, 6-3થી પરાજય આપ્યો હતો.
મહિલા વિભાગના અન્ય મુકાબલામાં 27મી ક્રમાંકિત સ્પેનની કાર્લા નોવારો સુઆરેઝે યૂક્રેઇનની એલિના સ્વિતોલિનાને 7-5, 6-3થી હરાવી હતી. પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં સુઆરેઝનો સામનો અમેરિકાની વાઇલ્ડકાર્ડ ધારક ડેનિયલ રોઝ કોલિન્સ સામે થશે. કોલિન્સે ત્રીજા રાઉન્ડમાં રશિયાની સોફિયા ઝુકને 6-4, 6-4થી હાર આપી હતી.
રોજર ફેડરરે પુરુષ સિંગલ્સના ત્રીજા રાઉન્ડમાં ર્સિબયાના ક્રાજિનોવિકને 6-2, 6-1થી પરાજય આપી પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન બનાવ્યું હતું જ્યાં તેનો સામનો ફ્રાન્સના જેરેમી ચાર્ડી સામે થશે. ચાર્ડીએ ત્રીજા રાઉન્ડમાં પોતાના જ દેશના મનારિનોને 7-5, 4-6, 6-1થી પરાજય આપ્યો હતો. પુરુષ વિભાગમાં જેક સોક, બઘડાટિસ, મારિન સિલક, રાઓનિકે ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો હતો. સિસ્ટરની ટકકર: મેટરનિટી લીવ પરથી લાંબા સમય બાદ ટેનિસ કોર્ટ પર વાપસી કરનાર અમેરિકન ટેનિસ ખેલાી સરેના વિલિયમ્સને ઈન્ડિયન વેલ્સ ટુર્નામેન્ટના ત્રીજા રાઉન્ડમાં તેની મોટી બહેન વિનસ વિલિયમ્સે સીધા બે સેટમાં 6-3, 6-4 થી પરાજય આપી સ્પર્ધામાંથી બહાર ફેંકી દીધી હતી.