આજે ભારત-બાંગ્લાદેશની ટક્કર

કોલંબો તા.14
નિદાહાસ ટ્રોફી ટવેન્ટીર0 ક્રિકેટ ચેમ્પિયનશીપમાં ફાઇનલમાં સ્થાન પાક્કુ કરવાના મક્કમ ઇરાદા સાથે ભારતીય ટીમ આજે બાંગ્લાદેશ સામે ટક્કર લેશે. છેલ્લા બે મેચમાં વિજય મેળવી ભારતે તેની રન રેટ પ્લસ 0.ર1 કરી છે, આમ છતાં આજના મેચમાં પ્લેઇંગ ઇલેવનમાં કોઇ નાટકીય ફેરફારો કે પ્રયોગો કરે તેવી શકયતા નથી દેખાતી.
આ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમે તેના પ્રથમ મુકાબલામાં શ્રીલંકા સામે અણધાર્યા પરાજયનો સામનો કરવો પડયો હતો. જ્યારે બાંગ્લાદેશે તેના એક મુકાબલામાં ર1પ રનનો લક્ષ્યાંક ચેઇઝ કરી તેની ક્ષમતાનો પરીચય આપી જ દીધો હતો. આજે બાંગ્લાદેશની ટીમ જો ભારત સામે વિજય મેળવવામાં સફળ થશે તો ફાઇનલમાં પહોચવાની તેની શકયતા વધશે.અલબત જો ભારતની હાર થાય તો પણ ફાઇનલમાં પહોચવાની તેની આશા જીવંત રહેશે, કેમ કે નેટ રનરેટ સારી છે. બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચેના અંતિમ મેચના પરીણામ બાદ એ સ્પષ્ટ થઇ શકશે કે કઇ બે ટીમ ફાઇનલમાં ટકરાશે.
અહીં એ યાદ અપાવીએ કે વર્તમાન ભારતીય ટીમમાં સામેલ અક્ષર પટેલ, દીપક હુડા અને મોહમ્મદ સિરાજને આ ટુર્નામેન્ટમાં હજુ સુધી એકપણ મેચ રમવાની તક મળી નથી.
નિદાહાસ ટ્રોફીમાં ભારતીય ટીમના નેતૃત્વની જવાબદારીને કારણે કદાચ તણાવ અનુભવી રહેલા કપ્તાન રોહિત શર્માને મળી રહેલી સતત નિષ્ફળતા ટીમ માટે ચિંતાનો વિષય જરૂર છે. જો કે એક મોટી ફાંકડી ઇનીંગ તેને પુન: ટ્રેક પર દોડતો કરી દેવા પુરતી છે એમાં પણ શંકા નથી. આજના મેચમાં ભારતીય કપ્તાન તેના બેટીંગ ક્રમમાં ફેરફાર કરવાનું જોખમ ઉઠાવશે કે કેમ તે જોવું રસપ્રદ બનશે. તેની પાસે કે.એલ.રાહુલ જેવો સ્પેશ્યાલીસ્ટ ઓપનરનો વિકલ્પ ખુલ્લો છે.