કલ્યાણપુરમાં ગાંધવી ગામના યુવાન પર હુમલો કરી મારી નાખવાની ધમકી

જામખંભાળિયા તા.14
કલ્યાણપુર તાલુકાના ગાંધવી ગામે રહેતા અશોકભાઈ કિશોરભાઈ દાસાણી નામના 42 વર્ષના યુવાનને ગામના જ રવિ ભરતભાઈ પંડ્યા અને જેશાભાઈ રણમલભાઈ નામના બે શખ્સોએ પોતાની દુકાને સમાધાન માટે બોલાવીને કહેલ કે ‘તું કેમ મારા બાપુજી તથા અમારી સાથે બોલતો નથી’ તેમ કહીને લાકડી વડે માર માર્યો હતો. આ ઉપરાંત બિભત્સ ગાળો કાઢી, જો તેઓ ફરિયાદ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ ઉચ્ચારી હોવાની ધોરણસર ફરિયાદ અશોકભાઈએ કલ્યાણપુર પોલીસમાં નોંધાવી છે.
બાઈક આડે ભુંડ ઉતરતા
માતા-પુત્ર ઘવાયા
દ્વારકા તાલુકાના મીઠાપુર ગામે રહેતો મોહન મુળજીભાઈ પરમાર નામનો 24 વર્ષનો યુવાન તેના બા લક્ષ્મીબેન (ઉ.60)ને મોટરસાઈકલ પર બેસાડીને ભાટિયાથી મીઠાપુર જઈ રહ્યા હતા, ત્યારે પુર ઝડપે જઈ રહેલા બાઈક આડે ભુંડ ઉતરતા ચાલક મોહનભાઈએ બાઈક પરનો કાબુ ગુમાવી દીધો હતો. જેના કારણે સર્જાયેલા અકસ્માતમાં માતા-પુત્રને નાની-મોટી ઈજાઓ થયાની ધોરણસર ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાઈ છે.
યુવાન પર હુમલો, ચાર સામે ફરિયાદ
ખંભાળિયા તાલુકાના વિરમદળ ગામે રહેતા પીઠાભાઈ જેશાભાઈ ડાંગર (ઉ.40) તેમની વાડીએ જઈ રહ્યા હતા, ત્યારે માર્ગમાં સવાભાઈ પીઠાભાઈ, ભરત કેસુભાઈ, હેમંત કાનાભાઈ અને ગોવિંદ વેજાણંદભાઈ નામના ચાર શખ્સોએ તેમને અટકાવી ‘તું પાણીની મોટર ચાલુ કરીને કેમ વાપરે છે ?’ તેમ કહીને માર માર્યાની ફરિયાદ અત્રે પોલીસમાં નોંધાઈ છે.
બાવળની ઝાડીમાં જુગાર
રમતા ચાર ઝડપાયા
ભાણવડમાં એક મંદિર પાસે બાવળની ઝાડીની ઓથમાં ગંજીપત્તા વડે તિનપતીનો જુગાર રમી રહેલા હિરેન ભગવાનજીભાઈ બોરખતરિયા, દિલાવર મજીદભાઈ રૂંઝા, મહંમદ ઓસમાણભાઈ રૂઝા અને રાજેશ કાનજીભાઈ ભુંડિયા નામના ચાર શખ્સોને રૂા.12,200ની રોકડ રકમ સાથે ઝડપી લઈ, જુગારધારાની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.
વર્લી ભકત ઝડપાયો
ખંભાળિયામાં યોગેશ્ર્વર નગર ખાતે રહેતા વિજય ઉર્ફે ભોલો વિનોદરાય સાયાણીને પોલીસે જાહેરમાં વર્લી મટકાના આંકડાનો જુગાર રમતા રૂા.1470ની રોકડ રકમ સાથે ઝડપી લીધો હતો.
વૃધ્ધ લાપતા
ખંભાળિયામાં રહેતા ધનજીભાઈ મનજીભાઈ નકુમ નામના 60 વર્ષના સતવારા વૃધ્ધ સોમવારે સાંજથી પોતાના ઘરેથી કોઈને કંઈ કહ્યા વગર ચાલ્યા ગયા હોવાની જાણ તેમના પુત્ર તુષાર ધનજીભાઈ નકુમે પોલીસને કરી છે.