જો કાર્તિને આઝાદી મળે તો નીરવ જેવા લોકો પર કેવી રીતે કાર્યવાહી થાય?: ઈડી

હાઈકોર્ટે ચિદમ્બરમના પુત્રને મની લોન્ડ્રીંગ કેસમાં રાહત આપતા ઈડીની સુપ્રીમમાં ઘા
નવી દિલ્હી તા,14
એન્ફોર્સમેન્ટ ડાયરેકટોરેટ (ઇડી)એ દિલ્હી હાઇકોર્ટમાંથી એ આદેશની વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે, જેમાં કાર્તિ ચિદમ્બરમને મની લોન્ડ્રિંગ કેસમાં રાહત આપી દીધી હતી. દિલ્હી હાઇકોર્ટે એક કેસમાં સુનવણી કરતાં 20મી માર્ચ સુધીમાં કાર્તિની ધરપકડ પર પ્રતિબંધ મૂકી દીધો છે.
હાઇકોર્ટના આદેશની વિરૂદ્ધ ઇડીની અરજી પર આગામી 15મી માર્ચના રોજ સુપ્રીમ કોર્ટમાં સુનવણી થશે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલ અરજીમાં ઇડીએ કહ્યું છે કે જો કાર્તિ ચિદમ્બરમને આઝાદી મળશે તો નીરવ
મોદી જેવા લોકો પર કાર્યવાહી કેવી રીતે થશે?
બીજીબાજુ આઇએનએક્સ મીડિયા ભ્રષ્ટાચાર કેસમાં કાર્તિની જામીન અરજી કેસથી દિલ્હી હાઇકોર્ટના ન્યાયાધીશ ઇન્દ્રમીત કૌરે પોતાને અલગ કરી દીધા છે. ત્યારબાદ આ કેસ બીજી બેન્ચને સોંપી દેવાયો. સીબીઆઈએ એક માર્ચના રોજ ચેન્નાઇ એરપોર્ટ પરથી કાર્તિ ચિદમ્બરમની ધરપકડ કરી હતી. કાર્તિ લંડનથી પાછો ભારત આવી રહ્યો હતો. ચેન્નાઇથી તેમને સીધા દિલ્હી લાવ્યા અને પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરાયા. કોર્ટે તેમને સીબીઆઈ કસ્ટડીમાં મોકલ્યો.