‘આધાર’ અનરાધાર: તારિખ પે તારિખ

આધાર કાર્ડ કાયદેસર ના ઠરે તો કશું કરવાનો સવાલ જ પેદા થતો નથી. એ સંજોગોમાં આધાર કાર્ડને જ ઊંચું મૂકી દેવાનું. લોકોને આ કકળાટમાંથી કાયમ માટે મુક્તિ તો મળે? સુપ્રીમ કોર્ટે મંગળવારે લોકોની આ દોડાદોડી એકઝાટકે બંધ થઈ જાય તેવું ફરમાન કરી દીધું. સુપ્રીમ કોર્ટમાં આધાર કાર્ડની કાયદેસરતા અંગે કેસ થયેલો જ છે ને તેમા મુદતો પડ્યા કરે છે આપણે ત્યાં આધાર કાર્ડનો કકળાટ લાંબા સમયથી ચાલે છે ને લોકો તેના કારણે હેરાન પરેશાન થઈ ગયા છે ત્યારે મંગળવારે સુપ્રીમ કોર્ટે લોકોને બહુ મોટી રાહત આપી દીધી. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ફતવો બહાર પાડેલો કે, દેશની દરેક વ્યક્તિએ 31 માર્ચ લગીમાં પોતાનાં બૅંક એકાઉન્ટને મોબાઈલ ફોન સાથે આધાર કાર્ડ લિંક ફરજિયાતપણ લિંક કરવાં પડશે. નહિતર આ બૅંક ખાતાં ને મોબાઈલ નંબર બંધ થઈ જશે. આ ફતવાના કારણે બૅંકોવાળા ને મોબાઈલ કંપનીઓવાળા મચી પડેલા. એ લોકો રોજ સવાર પડે ને મેસેજ મોકલીને હૂલ આપી દેતા કે, કેન્દ્ર સરકારના ફરમાન પ્રમાણે 31 માર્ચ લગીમાં તમારાં બૅંક એકાઉન્ટ ને મોબાઈલ ફોન સાથે આધાર કાર્ડ લિંક કરાવી લેજો. બાકી પછી બૅંક ખાતાં ને મોબાઈલ નંબર બંધ થઈ જાય તો અમને કહેતા નહીં. લોકો તેમાં ઘાંઘા થઈ ગયેલા ને આધાર કાર્ડ લિંક કરાવવા માટે દોડાદોડી કર્યા કરતા હતા. સુપ્રીમ કોર્ટે મંગળવારે લોકોની આ દોડાદોડી એકઝાટકે બંધ થઈ જાય તેવું ફરમાન કરી દીધું. સુપ્રીમ કોર્ટમાં આધાર કાર્ડની કાયદેસરતા અંગે કેસ થયેલો જ છે ને તેમા મુદતો પડ્યા કરે છે. એવામાં કેન્દ્ર સરકારે લોકોને પોતાના બૅંક એકાઉન્ટ ને મોબાઈલ ફોન સાથે આધાર કાર્ડ લિંક કરાવવાનો ફતવો બહાર પાડ્યો એટલે નવી અરજી થઈ ગયેલી. સુપ્રીમ કોર્ટે આ અરજી પર સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટને ફરમાન કર્યું છે કે, આધાર કાર્ડની કાયદેસરતા અંગે અંતિમ ચુકાદો ના આવે ત્યાં લગી બૅંક એકાઉન્ટ ને મોબાઈલ ફોન સાથે આધાર કાર્ડ લિંક કરાવવાનું ફરજિયાત નથી. સુપ્રીમ કોર્ટે આ રીતે બૅંક એકાઉન્ટ ને મોબાઈલ ફોન સાથે આધાર કાર્ડ લિંક કરાવવાના કેન્દ્ર સરકારના ફરમાનને અનિશ્ર્ચિત મુદત સુધી મોકૂફ રાખવા ફરમાન કરી દીધું છે. કોઈને સ્વૈચ્છિક રીતે જ પોતાના બૅંક એકાઉન્ટ ને મોબાઈલ ફોન સાથે આધાર કાર્ડ લિંક કરાવવાનો ઉમળકો જાગે તો એ ચોક્કસ કરાવી શકે પણ પહેલાં હૂલ અપાતી હતી એ રીતે પોતાના બૅંક એકાઉન્ટ ને મોબાઈલ ફોન સાથે આધાર કાર્ડ લિંક ના કરાવ્યું હોય તો બૅંક ખાતાં કે મોબાઈલ નંબર બંધ નહીં થઈ જાય. સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે આકરા તેવર બતાવીને એમ પણ કહ્યું છે કે, કેન્દ્ર સરકાર લોકો પર આધાર થોપી ના શકે. સાથે સાથે એ ચોખવટ પણ કરી છે કે, સામાજિક યોજનાઓ માટે આધાર કાર્ડ ફરજિયાત છે ને તેમાં કોઈ ફેરફાર નહીં થાય. મતલબ કે રાંધણ ગેસની સબસિડી માટે આધાર લિંક કરવાના કે વિધવાઓને પેન્શન આપવા માટે આધાર કાર્ડ ફરજિયાત કરવાની યોજના ચાલુ રહેશે.
આધાર કાર્ડને લગતો જે મુખ્ય કેસ સુપ્રીમ કોર્ટમાં ચાલે છે તેમાં પ્રાઈવસીનો મુદ્દો ઉઠાવાયો છે ને તેના આધારે આધાર કાર્ડની કાયદેસરતા નક્કી થશે. આપણું બંધારણ દરેક વ્યક્તિને પ્રાઈવસીનો અધિકાર આપે છે ને આધાર કાર્ડથી તેનો ભંગ થાય છે તેથી આધાર કાર્ડ ફરજિયાત ના હોવું જોઈએ એવી દલીલ આ કેસમાં કરાઈ છે. આધાર કાર્ડમાં જે તે વ્યક્તિનો બાયોમેટ્રિક ડેટા હોય છે ને એ ડેટા વ્યક્તિની અંગત બાબતો છે તેથી એ સરકારને આપવી કે નહીં તે નક્કી કરવાનો વ્યક્તિને અધિકાર છે તેવો મુદ્દો તેમાં ઉપસ્થિત કરાયો છે. આ કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચ સામે ચાલી રહી છે ને તેમાં જે ચુકાદો આવે તેના આધારે આધાર કાર્ડ પ્રોજેક્ટનું ભાવિ નક્કી થશે. આ પહેલાં પૅન કાર્ડના મામલે પણ સુપ્રીમ કોર્ટે આ ચોખવટ કરેલી જ ને હવે બૅંક ખાતાં-મોબાઈલ નંબરને મામલે પણ સુપ્રીમે એ જ કહ્યું છે.
સુપ્રીમ કોર્ટ આધાર કાર્ડની કાયદેસરતા અંગે ક્યારે અંતિમ ચુકાદો આપશે એ ખબર નથી પણ આ કોકડું જે રીતે ગૂંચવાયેલું છે તે જોતાં ઝડપથી ચુકાદો આવવાની આશા રાખવા જેવી નથી. તેનું કારણ એ કે આધાર કાર્ડનો મામલો ભલે કોર્ટમાં ચાલતો હોય પણ વાસ્તવમાં એ રાજકીય મુદ્દો છે ને વાસ્તવમાં તો ભાજપે પેટ ચોળીને ઊભું કરેલું શૂળ છે. આ મામલો કોર્ટના ચક્કરના કારણે અટવાઈ ગયો તેના મૂળમાં ભાજપ છે.
કેન્દ્રમાં મનમોહનસિંહની સરકાર હતી ત્યારે તેમણે આધાર કાર્ડ પ્રોજેક્ટ શરૂ કરેલો. મનમોહનસિંહ સરકાર દેશના દરેક નાગરિકને એક ચોક્કસ ઓળખપત્ર મળે અને એ વ્યક્તિ તેના આધારે જ ઓળખાય તે ઉદ્દેશથી આ પ્રોજેક્ટ લાવેલી. ભારતમાં ઈન્ફર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે સૌથી મોટી કંપનીઓ પૈકીની ઈન્ફોસિસના સ્થાપકો પૈકીના એક નંદન નિલેકની આ પ્રોજેક્ટ પાછળનું ભેજું હતા. નિલેકનીએ આધાર સાથે દરેક વ્યક્તિના બાયોમેટ્રિક ડેટાને જોડ્યો. દરેક વ્યક્તિનો બાયોમેટ્રિક ડેટા બીજી વ્યક્તિ સાથે મેચ ના થાય. તેના કારણે આ ઓળખપત્ર તે વ્યક્તિનું યુનિક ઓળખપત્ર બની જાય. એ વ્યક્તિને સરળતાથી ને ગમે ત્યાંથી શોધી શકાય એ ઉદ્દેશ હતો. એ વખતે તેને સરકારી યોજનાઓ સાથે જોડવાનો કે બીજો કોઈ એવો ઉદ્દેશ નહોતો.
ભાજપ કેન્દ્રમાં સત્તા પર નહોતો આવ્યો ત્યારે આધાર કાર્ડ પ્રોજેક્ટ પાછળ આદું ખાઈને પડી ગયેલો. કૉંગ્રેસ જે કંઈ કરે તેનો સમજ્યા કારવ્યા વિના વિરોધ કરવો એ એક મુદ્દાનો કાર્યક્રમ ભાજપે અપનાવેલો ને તેના કારણે આ પ્રોજેક્ટનો વિરોધ કરવામાં ભાજપ મોખરે હતો. આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ આધાર કાર્ડ યોજનાનો કૂદી કૂદીને વિરોધ કરતા. યુ ટ્યુબ પર સર્ચ મારશો તો મોદીના એ વીડિયો હજુ પડ્યા જ છે. કૉંગ્રેસે પોતાના મળતિયાઓને ખટાવવા માટે આ પ્રોજેક્ટ શરૂ કરાવ્યો ને પ્રજાના પરસેવાની કમાણીના અબજો રૂપિયાનો ધુમાડો કરાવી નાંખ્યો તેવા આક્ષેપ પણ ભાજપે કરેલા. ભાજપ સત્તામાં આવશે તો આધાર કાર્ડ પ્રોજેક્ટનું ધૂપ્પલ બંધ કરાશે તેવી જાહેરાત પણ ભાજપે કરેલી.
ભાજપની કેન્દ્રમાં સરકાર આવી એ સાથે જ ભાજપે ગુલાંટ લગાવી અને આધાર કાર્ડ દુનિયાનો મહાનતમ પ્રોજેક્ટ હોય તે રીતે તેને અપનાવી લીધો. ભાજપે આધાર કાર્ડ પ્રોજેક્ટનો વિરોધ કરીને ભૂલ કરેલી. આ પ્રોજેક્ટને અપનાવીને તેણે એ ભૂલ સુધારી એ સારું થયું પણ લોચો એ થયો કે, તેણે હઈસો હઈસો કરીને જે વિરોધ કર્યો તેમાં સુપ્રીમ કોર્ટમાં કેટલીય અરજીઓ થઈ ગઈ. ભાજપ આધાર કાર્ડ પ્રોજેક્ટનો વિરોધ કરતી વખતે એવી દલીલ કરતો કે આ પ્રોજેક્ટ સલામત નથી ને તેના કારણે લોકોની પ્રાઈવસીનો ભંગ થાય છે. લોકોના બાયોમેટ્રિક ડેટા ચોરાઈ જાય તેવો પણ ખતરો છે એવું પણ ભાજપ કહેતો. સુપ્રીમ કોર્ટમાં આધાર કાર્ડના વિરોધમાં થયેલી અરજીઓમાંથી મોટા ભાગનીમાં આ જ દલીલ કરાયેલી છે. આ પૈકી કેટલાકને ભાજપે જ ઊભા કર્યા હશે પણ એ હવે પાછા વળી શકે તેમ નથી તેથી સુપ્રીમનો અંતિમ ચુકાદો આવે ત્યાં લગી તેમણે રાહ જોવી જ પડે. સુપ્રીમનો આધાર કાર્ડની કાયદેસરતા પરનો ચુકાદો જ આ આખા મામલાનું મારણ છે.
તકલીફ એ છે કે ભાજપ પોતે આ વાત સમજવા તૈયાર નથી. ભાજપે ભારે ઝનૂનથી આધાર કાર્ડ પ્રોજેક્ટનો વિરોધ કરેલો ને સત્તામાં આવ્યા પછી આધાર કાર્ડને સર્વવ્યાપી બનાવવા માટે પણ એ એટલા જ ઝનૂનથી મચી પડ્યો છે. નવો બાવો બે ચીપિયા વધારે ખખડાવે એ હિસાબે ભાજપ સરકાર વધારે જોરશોરથી આધાર પ્રોજેક્ટને આગળ ધપાવવા મચી પડી છે. તેના કારણે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દર મહિને નવા નવા ફતવા બહાર પાડે છે ને આધાર કાર્ડને આની સાથે જોડો ને પેલાની સાથે જોડો ને ફલાણાની સાથે જોડો ને ઢીંકણા સાથે જોડો એવા મનફાવે તેવા તુક્કા વહેતા કરે છે. દરેક તુક્કા માટે પાછી ડેડલાઈન નક્કી કરી દેવાય છે ને તેની સાથે ધમકીઓ પણ વહેતી કરી દેવાય છે. એટલે કે ચોક્કસ તારીખ સુધીમાં આધાર કાર્ડ આની સાથે ના જોડ્યું તો આમ થશે ને તેમ થશે. લોકો બિચારા હાંફળા ફાંફળા થઈને માંડ માંડ એકાદ ઠેકાણે આધાર કાર્ડને લિંક કરીને પરવાર્યા હોય ત્યાં નવો કંઈ ફતવો આવી જાય છે.
આ ડ્રામા લાંબા સમયથી ચાલે છે ને એટલે જ આ ચુકાદો જલદી આવી જાય તો સારું. એક વાર ચુકાદો આવી જાય તો લોકોને ખબર પડે કે, શું કરવાનું છે. આધાર કાર્ડને કાયદેસરતા મળે એટલે લોકો સમજી જાય કે, હવે આપણો છૂટકો નથી એટલે બધું બાજુ પર મૂકીને જ્યાં પણ શક્ય હોય ત્યાં બધે આધાર કાર્ડ લિંક કરવાનું શરૂ કરીને ઊંચું મૂકવા માંડે. આધાર કાર્ડ કાયદેસર ના ઠરે તો કશું કરવાનો સવાલ જ પેદા થતો નથી. એ સંજોગોમાં આધાર કાર્ડને જ ઊંચું મૂકી દેવાનું. લોકોને આ કકળાટમાંથી કાયમ માટે મુક્તિ તો મળે?