વિશ્ર્વ પ્રસિધ્ધ વૈજ્ઞાનિક સ્ટિફન હોકિંગનું નિધન


લંડન: ભૌતિકશાસ્ત્રના પ્રસિદ્ધ વૈજ્ઞાનિક સ્ટિફન હોકિંગનું 76 વર્ષની વયે અવસાન થયું છે. હોકિંગના પરિવાર તરફથી બુધવારના રોજ એક સ્ટેટમેન્ટ જાહેર કરીને આ વાતની પૃષ્ટિ કરવામાં આવી છે. તેમનું નિધન લંડનના કેમ્બ્રિજમાં આવેલા તેમના નિવાસસ્થાને થયું. આધુનિક ભૌતિક વિજ્ઞાનના પિતામહ એવા આલ્બર્ટ આઇનસ્ટાઇનના આજે 139મા જન્મદિવસે જ વર્તમાન યુગના ભૌતિક વિજ્ઞાની સ્ટિફન હોકિંગ્સનું નિધન થયું તે દુ:ખદ યોગાનુયોગ છે. હોકિંગના બાળકો લૂસી, રોબર્ટ અને ટિમે પોતાના સ્ટેટમેન્ટમાં કહ્યું કે, પિતાના મૃત્યુથી અમે લોકો અત્યંત દુ:ખી છીએ. ઉલ્લેખનીય છે કે સ્ટિફન હોકિંગે બ્લેક હોલ અને બિગ બેન્ગ સિદ્ધાંતને સમજવામાં મહત્વનું યોગદાન આપ્યું છે. સ્ટિફન હોકિંગ પાસે 12 ડિગ્રીઓ હતી. હોકિંગના કામને ધ્યાનમાં રાખીને તેમને અમેરિકાના સૌથી ઉચ્ચ નાગરિકનું સન્માન આપવામાં આવ્યુ હતું. બ્રહ્માંડના રહસ્યો પર તેમનું પુસ્તક અ બ્રીફ હિસ્ટ્રી ઓફ ટાઈમ ચર્ચાનો વિષય બન્યુ હતું.
1974માં બ્લેક હોલ્સ પર અસાધારણ રિસર્ચ કરનારા સ્ટિફન હોકિંગ સાયન્સની દુનિયામાં સેલિબ્રિટી માનવામાં આવે છે. સ્ટિફન હોકિંગના દિમાગ સિવાય તેમના શરીરનું એક પણ અંગ કામ નહોતુ કરતુ. સ્ટિફન હોકિંગે ધ ગ્રાન્ડ ડિઝાઈન, યૂનિવર્સ ઈન નટશેલ, માઈ બ્રીફ હિસ્ટ્રી, ધ થિયરી ઓફ એવરીથીંગ જેવા અનેક મહત્વના પુસ્તકો લખ્યા છે.