હવે ઈમરાન ખાન પર ખાસડાવાળી!

ગુજરાત (પાકિસ્તાન) તા.14
પાકિસ્તાનમાં નેતાઓ પર જૂતાં અને શ્યાહી ફેંકવાની જાણે સિઝન ચાલી રહી છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ બાદ હવે પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર અને તહરીક-એ-ઈંસાફ પાર્ટીના પ્રમુખ ઈમરાન ખાન પર જૂતું ફેંકાયું છે.
પંજાબ પ્રાંતના ગુજરાત શહેરમાં એક રેલી દરમિયાન ખાન પર એક યુવકે જૂતું ફેંક્યું હતું. ઈમરાન ખાન કાર પર ચડીને લોકોને સંબોધિત કરી રહ્યાં હતાં ત્યારે જૂતું ફેંકાયું હતું. જોકે ઈમરાન ખાનને જૂતું વાગ્યું ન હતું પણ તેમની બાજુમાં ઉભેલા અલીમ ખાનને જઈને આ જૂતું વાગ્યું હતું.
આ ઘટના બાદ તુંરત જ ઈમરાન ખાને પોતાનું ભાષણ અટકાવી દીધું હતું. ઘટનાસ્થળ પર હાજર સુરક્ષાકર્મીએ આરોપી યુવકને ઝડપી પોલીસના હવાલે કરી દીધો હતો. પોલીસન આ જાણાવ્યા પ્રમાણે ઈમરાન ખાન પર જૂતું ફેંકનાર યુવક એક વિદ્યાર્થી છે જેનું નામ અબ્દુલ ગફૂર છે. ગફૂર જામિયાનો ભૂતપૂર્વ વિદ્યાર્થી છે.
ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહે જ પાકિસ્તાનમાં ટોચના નેતાઓ પર જૂતાં અને શ્યાહી ફેંકવાની એક પછી એક ઘટનાઓ સામે આવી રહી છે. થોડા દિવસ પહેલા જ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ પર એક વિદ્યાર્થીએ ચાલુ સમારોહ દરમિયાન જૂતું ફેંક્યું હતું. જૂતું ફેંક્યા બાદ આરોપી વિદ્યાર્થીએ શરીફ વિરૂદ્ધ નારેબાજી કરી હતી. યુવકે નવાઝ શરીફને ઈસ્લામ વિરોધી ગણાવ્યાં હતાં. તેવી જ રીતે તે અગાઉ પાકિસ્તાનના વિદેશ મંત્રી ખ્વાજા આસિફના ચહેરા પર શ્યાહી ફેંકવામાં આવી હતી.