આને કહેવાય ગુજરાતને કેન્દ્રનો હળાહળ અન્યાય!


ગાંધીનગર તા14
ગુજરાત રાજ્યમાં 2017ના વર્ષમાં અતિવૃષ્ટિના કારણે થયેલા નુકસાન સામે રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પાસે કુલ રૂપિયા 2094.92 કરોડની સહાયની માગણી કરી છે. પરંતુ આ બાબત હજુ સુધી કેન્દ્ર સરકાર પાસે વિચારણા હેઠળ હોવાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા હવાઈ નિરીક્ષણવાળા અસરગ્રસ્ત બનાસકાંઠા કે પાટણ જિલ્લામાં સહાય ફાળવવાનો પ્રશ્ર્ન ઉપસ્થિત થતો નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ બંને જિલ્લામાં મુખ્યમંત્રી સહિત કેટલાક મંત્રીઓ અને વહીવટી તંત્ર પાંચ દિવસ સુધી પડ્યું પાથર્યું રહ્યું હતું. આ ઉપરાંત 2015માં અતિવૃષ્ટિના કારણે થયેલી નુકસાની સામે સહાય માટે કેન્દ્ર સરકાર પાસેથી રૂપિયા 4473.47 કરોડની કરાયેલી માંગણીમાં પણ એકપણ રૂપિયો કેન્દ્રની મોદી સરકાર ધ્વારા આજદિન સુધીમાં ફાળવવામાં આવ્યો નથી.
નોંધનીય છે કે પૂર બાદ વડાપ્રધાન મોદી ગુજરાતમાં ચૂંટણી સભાઓ ગજવતા હતા ત્યારે કોંગ્રેસના ધારાસભ્યો પર ટીકા કરતા હતા કે તેઓ બેંગાલુરુના રિસોર્ટમાં સ્વિમિંગ પુલમાં છબછબીયા કરતા હતા અને લોકો અહીં પૂરમાં પરેશાન થતા હતા. સાથે તેમણે મોરબીમાં થયેલ પૂર હોનારતને યાદ કરી ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ. ઇન્દિરા ગાંધી પર ટીકા કરતી હતી. ત્યારે હવે ગુજરાતમાં પૂર તો જતુ રહ્યું પણ રાજ્યમાં પાણીની પણ તંગી પડવા લાગી છે છતાં મોદીએ એક પણ રૂપિયો કેન્દ્રમાંથી ગુજરાતની જનતાને આપ્યો નથી.
ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય ધ્વારા પુછાયેલા એક પ્રશ્નના લેખિત જવાબમાં મહેસુલ મંત્રીએ જણાવ્યું છે કે, વર્ષ 2017માં અતિવૃષ્ટિના કારણે થયેલા નુકશાન સામે સહાય માટે કેન્દ્ર સરકાર પાસે રૂપિયા 2094.92 કરોડની માંગણી કરવામાં આવી છે. પરંતુ આ બાબત કેન્દ્ર સરકાર પાસે વિચારણા હેઠળ હોવાથી તા.3-2-2017ની સ્થિતિએ કેન્દ્ર સરકારે ગુજરાત રાજ્યને એક રૂપિયો પણ ફાળવ્યો નથી. આથી કેન્દ્રની સહાયમાંથી અસરગ્રસ્ત બનાસકાંઠા કે પાટણ જીલ્લામાં સહાય ફાળવવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી.જયારે બીજા એક પ્રશ્નના જવાબમાં મહેસુલ મંત્રીએ લેખિતમાં જણાવ્યું છે કે, રાજ્યમાં જુન-જુલાઈ 2015માં અતિવૃષ્ટિના કારણે થયેલી નુકશાની સામે સહાય માટે કેન્દ્ર સરકાર પાસેથી રૂપિયા 4473.47 કરોડની માંગણીની દરખાસ્ત સપ્ટેમ્બર-2015માં કરવામાં આવી હતી. જેમાં ભારત સરકારની એનડીઆરએફની હાઈ લેવલ કમિટીની તા.9-11-2015ના રોજ મળેલી બેઠકમાં રૂપિયા 561.82 કરોડની સહાય એનડીઆરએફમાંથી મંજુર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. તેમાં શરત રાખવામાં આવી હતી કે ,રાજ્ય સરકારની એનડીઆરએફની સીલકના 50 ટકા અથવા મંજુર કરવામાં આવેલી સહાય, એનડીઆરએફની સિલક કરતા ઓછી હોય તેવા સંજોગોમાં સહાય મળવા પાત્ર થશે.
જ્યારે રાજ્ય સરકારની એનડીઆરએફની સીલક તા.1-4-2015ના રોજ 3082.26 કરોડ હતી. તેના 50 ટકા પ્રમાણેની રકમ 1541.13 કરોડ થતી હતી. પરિણામે મંજુર કરવામાં આવેલી રકમ 561.82 કરોડ ઓછી થતી હોવાથી કેન્દ્ર સરકાર ધ્વારા રાજ્ય સરકારને કોઈ રકમ મળવાપાત્ર થતી નહિ હોવાનો જવાબ તા.1-12-2015ના રોજ આપવામાં આવેલો છે. આથી કેન્દ્ર સરકાર ધ્વારા ફંડ ફાળવવાનો પ્રશ્ન ઉપસ્થિત રહેતો નહિ હોવાનું મંત્રીએ જણાવ્યું છે.