લોન ડિફોલ્ટરોની આબરૂનો ધજાગરો કરશે કેન્દ્ર

લોનધારકોના નામ-ફોટા અખબારોમાં છપાવશે નવીદિલ્હી તા.14
સરકારે જાણી જોઈને લોન ન ચૂકવનારાઓ ફરતે સકંજો કસતા બેંકોને આવા લોન ધારકોના નામ જાહેર કરવા કહ્યું છે. બેંકોને આવા લોન ધારકોના નામ અને તસવીર ન્યૂઝ પેપરમાં પ્રકાશિત કરવા કહ્યું છે. નાણાં મંત્રાલયે જાહેર ક્ષેત્રની બેંકોને પત્ર લખીને આવા વિલફુલ ડિફોલ્ટર્સની તસવીર પ્રકાશિત કરવાને લઈને બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મંજૂરી લેવા કહ્યું છે. ઉલ્લેખનીય છે કે, જાહેર ક્ષેત્રની બેંકોમાંથી લેવાયેલી લોનની ક્ષમતા હોવા છતાં લોન ન ભરનારાઓની સંખ્યા ડિસેમ્બર 2017માં વધીને 9,063 થઈ ગઈ. રાજ્ય નાણામંત્રી શિવ પ્રતાપ શુક્લએ લોકસભામાં પ્રશ્ર્નોના લેખિત જવાબમાં કહ્યું કે, આવા મામલામાં જાહેર ક્ષેત્રની બેંકોના 1,10,050 કરોડ રૂપિયા ફસાયેલા છે. આવા લોકો સામે કાર્યવાહી ઝડપી કરતા સરકારે ગત સપ્તાહે બેંકોને એ લોન ધારકોના પાસપોર્ટની માહિતી લેવા કહ્યું છે, જેમના પર 50 કરોડ રૂપિયા કે તેથી વધુ રૂપિયા લેવાના નીકળે છે. પાસપોર્ટની માહિતીથી આ ડિફોલ્ટરોને દેશ છોડતા રોકવામાં બેંકોને મદદ કરશે. ઉલ્લેખનીય છે કે, વિજય માલ્યા, નીરવ મોદી, મેહુલ ચોક્સી અને જતિન મહેતા સહિત ઘણા મોટા ડિફોલ્ટરો દેશ છોડીને ભાગી ગયા છે અને તપાસ એજન્સીઓને સહકાર આપવાનો ઈનકાર કરી દીધો છે. તેનાથી વસૂલાતની પ્રક્રિયા પ્રભાવિત થઈ છે.
તે ઉપરાંત નાણાં મંત્રાલયે જાહેર ક્ષેત્રની બેંકોને 50 કરોડ રૂપિયાથી વધુના તમામ એનપીએ અકાઉન્ટની તપાસ કરવા અને તે મુજબ સીબીઆઈને રિપોર્ટ કરવા કહ્યું છે. સાથે જ મંત્રાલયે બેંકોને 250 કરોડ રૂપિયાથી વધુની લોન પર નજર રાખવા અને મૂળ શરતોના ઉલ્લંઘન પર રિપોર્ટ કરવા કહ્યું છે. આ છ સૂત્રીય સુધારા ઉપાયોનો ભાગ છે.