પીએનબી ઇફેક્ટ: LOU પર RBIનો પ્રતિબંધ

રિઝર્વ બેન્કનો તાકીદનો નિર્ણય: એલઓયુ ઉપરાંત એલઓસીનો ઉપયોગ પણ બંધ
મુંબઇ તા.14
પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) કૌભાંડની જડ લેટર ઓફ અન્ડરટેકિંગ (એલઓયુ) પર રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ પ્રતિબંધ મુક્યો છે. અબજોપતિ જવેલર નીરવ મોદી અને તેના મામા મેહુલ ચોકસીએ એલઓયુની ઉપયોગ કરીને જ બીજી સૌથી મોટી સરકારી બેન્ક પીએનબીમાં રૂપિયા 13,000 કરોડનું કૌભાંડ આચર્યું હતું. આરબીઆઈએ જણાવ્યું હતું કે ટ્રેડ ફાઈનાન્સ માટે એલઓયુ તથા લેટર ઓફ કંફર્ટ (એલઓસી)નો ઉપયોગને બંધ કરવાનો નિર્ણય તાત્કાલિક અસરથી અમલમાં આવ્યો છે. આરબીઆઈના નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે વર્તમાન દિશાનિર્દેશની સમીક્ષા પછી ભારતમાં આયાત માટે એલઓયુ અને એલઓસી આપવા પર તાત્કાલિક મનાઈ ફરમાવવામાં આવી છે. જોકે ભારતમાં આયાત માટે ટ્રેડ ક્રેડિટ, લેટર ઓફ ક્રેડિટ અને બેન્ક ગેરન્ટી જોગવાઈઓને આધિન જારી કરી શકાશે.
હિમાચલની કંપનીનું
6,000 કરોડનું કૌભાંડ
દેશમાં અત્યારે ફુલેકાઓની મોસમ જામી હોય તેમ એક પછી એક કેસ સામે આવી રહ્યા છે. સૌથી પહેલાં વિજય માલ્યા કરોડોનું કરી વિદેશ જતા રહ્યા ત્યાર બાદ નીરવ મોદી અને મેહલુ ચોક્સી પણ દેશની વિવિધ બેન્કોને 13,000 કરોડનો ચૂનો ચોપડીને નાસી ગયા. ત્યારબાદ રાજસ્થાનની અને દિલ્હીની પેઢીઓના કૌભાંડો સામે આવ્યા હતા. રોટોમેક કાંડ પણ હજી ચર્ચામાં જ છે ત્યાં હિમાચલ પ્રદેશની એક કંપનીનું કૌભાંડ સામે આવ્યું છે. હિમાચલ પ્રદેશની ઈન્ડિયન ટેક્નોકેમ કંપની દ્વારા બેન્કો અને સરકારને 6,000 કરોડનો ચૂનો ચોપડવામાં આવ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રીફાઈન્ડ નોબેલ એલોય બનાવતી કંપની 2009થી 2014 સુધી કાર્યરત હતી. આ દરમિયાન તેણે અનેક બેન્કો પાસેથી કરોડોની લોન લીધી હતી અને સરકારને પણ ટેક્સ ચોરી દ્વારા નુકસાન પહોંચાડયું હતું. હિમચાલ પ્રદેશની વિધાનસભામાં આ મુદ્દો ચગ્યો હતો જેના કારણે કેન્દ્ર સરકાર અને તપાસ એજન્સીઓનં ધ્યાન તે તરફ ખેંચાયું હતું. અખબારી અહેવાલો પ્રમાણે સીપીએમના ધારાસભ્ય રાકેશ સિંહા દ્વાર આ મુદ્દો વિધાનસભામાં ઉઠાવાયો હતો. તેને પગેલ પોલીસે ફરિયાદ દાખલ કરીને વિગતે તપાસ હાથ ધરી છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે કંપની દ્વારા 2,175.51 કરોડનો વેટ ભરવામાં જ આવ્યો નથી. ટેક્સ વિભાગે પણ જણાવ્યું કે, બનાવટી દસ્તાવેજો દ્વારા વેટમાંથી રાહત લેવામાં આવી હતી. આ મુદ્દે એક્સાઈઝ અને ટેક્સ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. વેટમાં કરેલી ચોરી ઉપરાંત કંપનીએ બેન્ક, ઈન્કમટેક્સ વિભાગ અને અન્ય સંસ્થાઓના 4,000 કરોડ જેટલી રકમ આપવાની બાકી છે. બાકી લેણામાં બેન્કના 3,500 કરોડ, આઈટી વિભાગ 780 કરોડ અને પીએફના 15-20 કરોડ તથા લેબર ડિપાર્ટમેન્ટ અને ઈલેક્ટ્રિસિટી ડિપાર્ટમેન્ટના પણ ઘણા પૈસા ચૂકવવાના બાકી છે. તમામ રકમ ભેગી કરવામાં આવે તો આંકડો 6,500 કરોડ સુધી પહોંચ્યો છે. સીપીએમના નેતાએ આરોપ મૂક્યા હતા કે, આ કેસમાં ઢાંકપીછોડ કરવામાં આવી છે. 2014માં એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ દ્વારા કંપનીની કામગીરીમાં ગેરરીતિઓ શોધી કાઢવામાં આવી હતી. કંપનીએ આ મુદ્દે ખુલાસા ન આપતા કંપની સીલ કરવામાં આવી હતી. 2014થી કંપની બંધ હતી પણ આ કેસમાં કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નહોતી. ચાર વર્ષે આ કૌભાંડમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે.