ગુજરાતમાં RSSના નવા 2850 સ્વયંસેવકો તૈયાર

નવીદિલ્હી તા,13
અખિલ ભારતીય પ્રતિનિધિ સભાના પ્રારંભમાં સરકાર્યવાહ ભૈયાજી જોશી દ્વારા વાર્ષિક અહેવાલ આપવામાં આવ્યો હતો. પ્રતિનિધિ સભામાં પરિવાર ક્ષેત્રના 35 સંગઠનના 1538 શીર્ષસ્થ પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા. જે અપેક્ષિત સંખ્યા 90% ઉપસ્થિતિ છે.
સંઘની કામગીરી દેશના કુલ 95% જિલ્લામાં ચાલું છે. દેશમાં 37,190 સ્થાનો પર 58,967 નિત્ય શાખા, 16,405 સાપ્તાહિક મિલન, 7,976 સંઘ મંડળી કાર્યરત છે. આ પ્રકારે કુલ 83,348 સ્થાનો પર સંઘની ગતિવિધિ ચાલે છે.
2017-18માં સંઘ કાર્યકર્તા ઓ માટે 2,035 સ્થાનો પર વિશેષ પ્રશિક્ષણ વર્ગના આયોજન થયું હતું. સંઘ શિક્ષા વર્ગ પ્રથમ વર્ષ, દ્વિતીય વર્ષ અને તૃતીય વર્ષનું 86 સ્થાનો પર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 24,139 કાર્યકર્તાઓ ને પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું. 1,180 સ્થાનો પર 7 દિવસીય પ્રાથમિક વર્ગનું આયોજન થયું હતું જેમાં 95,318 કાર્યકર્તાઓ એ પ્રશિક્ષણ પ્રાપ્ત કર્યું છે. આ પ્રકારે કુલ 1,266 સ્થાનો પર 1,19,457 કાર્યકર્તાઓ એ પ્રશિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. ગુજરાતમાં વર્તમાન સમયે 720 સ્થાનો પર 1,460 શાખા, 952 સાપ્તાહિક મિલન, 489 સંઘ મંડળીઓ કાર્યરત છે. ગુજરાતમાં સેવાકાર્યો માટેના 2,442 પ્રકલ્પો ચાલે છે. (ગત વર્ષ 1,945) ગુજરાતના 250 સ્થાનો પર સામાજિક સદભાવ બેઠકનું આયોજન થયું હતું.
પ્રાથમિક વર્ગ ગુજરાતના 19 સ્થાનો પર થયા જેમાં 2,850 સ્વયંસેવકોએ પ્રશિક્ષણ પ્રાપ્ત કર્યું. અમદાવાદ મહાનગર દ્વારા 4 માર્ચ, 2018ના રોજ મહાનગર પથ સંચલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 5,336 સ્વયંસેવકોએ પૂર્ણ ગણવેશમાં ભાગ લીધો હતો.
દેશભરમાં સંઘ કાર્ય માટે લોકોનો વિશ્વાસ અને અપેક્ષા પણ વધી છે. વિભિન્ન પ્રાંતોમાં આયોજિત કાર્યક્રમોમાં હિંદુ સમાજની સહભાગિતાથી આજ અનુભવ થાય છે. પૂર્વોત્તર રાજ્યોમાં આયોજિત હિંદુ સંમેલન વિશેષત: ત્રિપુરા રાજ્યના સંમેલનમાં અનેક પ્રેરક અનુભવ થયા છે. સામાજિક, ધાર્મિક, વ્યાપાર ના ક્ષેત્રોના મહાનુભાવો દ્વારા પ્રકટ થતા અભિપ્રાય આપણા કાર્યની સ્વીકાર્યતા પ્રદર્શિત કરે છે. એ સાથે જ સમાજમાં સંઘર્ષ ની ઘટનાઓ સૌ માટે ચિંતાનો વિષય છે. આવી ઘટનાઓમાં થતી હિંસા, સાર્વજનિક સંપતિને થતું નુકસાન પૂર્ણત: નિંદનીય છે.
ન્યાય વ્યવસ્થા, સુરક્ષા વ્યવસ્થા વિગેરે માટે સમ્માન અને વિશ્વાસ ઓછો ન થાય એની ચિંતા પણ થવી જોઈએ. સંવિધાન, કાનુન વ્યવસ્થાની અંદર પોતાની વાત મુકવાનો હક આપણને છે. અણી મર્યાદાઓનું પાલન પણ આવશ્યક છે. સમાજમાં ભાગલા પાડવા વાળી શક્તિઓ આજે સક્રિય થતી જોવા મળે છે.
આ બધીજ પરિસ્થિતિમાં અત્યંત સંયમ અને કુશળતા સાથે કાર્યરત રહીને, આપણા કાર્યની સફળતામાં જ અનેક પ્રશ્નોનો સમાધાન છે, આ વિશ્વાસ રાખીને પરિશ્રમપૂર્વક આગળ વધવાનું છે. સંઘકાર્ય જ આપણા જીવનનો ધ્યેય બને. પ્રતિનિધિ સભામાં આવેલ પ્રતિનિધિઓનું સ્વાગત કર્યા બાદ ગત કાર્યકારી મંડલની બેઠક પછી દિવંગત થયેલા મહાનુભાવોને શ્રદ્ધાંજલિ આપતા ભૈયાજીએ કહ્યું અમે આપણા નજીકના ઘણા બંધુને ગુમાવ્યા છે. જેમના માર્ગદર્શન નો હમેશાં લાભ લીધો છે જેમાં ગુજરાતનાં નરેન્દ્ર પંચાસરા- પૂર્વ સહ પ્રાંત પ્રચારક - ગુજરાત, નરસિંહ પટેલ પૂર્વ વિભાગ સંઘચાલક, ગાંધીનગર વિભાગ, અનીલ પટેલ પૂર્વ ઉદ્યોગ મંત્રી અને ગણપત યુનિવર્સિટી, મહેસાણાની સંસ્થાપકને શ્રદ્ધાસુમન અર્પિત કર્યા હતા.