કોટક મહિન્દ્રા બેંક સાથે 10.75 કરોડની ઠગાઈમાં જીનીંગ મીલના ભાગીદારોના જામીન રદ

રાજકોટ તા,13
જીલ્લા પંચાયત ચોકમાં આવેલી કોટક મહિન્દ્રા બેંકમાંથી રૂ. 19 કરોડ 25 લાખની લોન મેળવી બાદમાં 1.5 કરોડની રકમ ભરપાઇ કરી પછી પોતાની પેઢી બંધ કરી દઇ બેંકને લોનની બાકીની રકમ રૂ. 17 કરોડ 75 લાખ ભરપાઇ નહિ કરી ઠગાઇ કર્યાના પ્રકરણમાં જીનીગ મીલના બને ભાગીદારોની જામીન અરજી કોર્ટે નકારી કાઢી હતી.
એ-ડિવીઝન પોલીસે મુળ ગોંડલના ગુંદાળા રોડ પર શાંતિનગરમાં રહેતાં બિપીન ચંદુલાલ રાણપરીયા (પટેલ) (ઉ.35) અને તેના ભાગીદાર મુળ ગોંડલના બંધીયાના અને હાલ રાજકોટ અક્ષર માર્ગ પર ઇન્દ્રપ્રસ્થનગરમાં રહેતાં જીતેન્દ્ર પોપટભાઇ ભાલારા (પટેલ) (ઉ.40) સામે છેતરપીંડીનો ગુનો નોધી ધરપકડ કરી હતી.
આ બંનેએ પૂર્વયોજીત કાવત્રુ રચી મે. ભાલારા પ્રા. લિ. નામે જીનીંગ મીલ ચાલુ કરી તેના ઉપર લોન મેળવી હતી. પોલીસે કોટક મહિન્દ્રા બેંકના એસોસિએટ વાઇસ પ્રેસિડેન્ટ અમદાવાદ નારણપુરા અર્જુન હોમ એફ-303માં રહેતાં લવલેશકુમાર શિવકુમાર દ્વિવેદી (ઉ.38)ની ફરિયાદ પરથી ગોંડલ રાજકોટ નેશનલ હાઇવે પર બીલીયારા પાસે આવેલી ભાલારા કોટન પ્રા. લિ.ના બંને ભાગીદારો બિપીન પટેલ અને જીતન્દ્ર પટેલ વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો. આ બંનેએ વર્ષ 2013માં પોતાની પેઢીને ધંધાના વિકાસ માટે નાણાની જરૂર છે તેવી અરજી કરી બેંક લોન માંગી હતી.
જરૂરી દસ્તાવેજો બેંકમાં રજૂ કરી મોર્ગેજ લોન રૂ. 19 કરોડ 25 લાખની માંગણી કરી હતી. જે જરૂરી તપાસ બાદ મંજુર કરાઇ હતી. પણ બાદમાં દોઢ કરોડ જેવી રકમ બેંકમાં ભરપાઇ કરી પછીથી બીજી રકમ ન ભરી જીન બંધ કરી દીધી હતી. અને બેંક સાથે 17.75 કરોડની છેતરપિંડી કરી હતી.
ધરપકડ બાદ બને આરોપીએ સેશનસ કોર્ટમાં જામીન અરજી કરી હતી.જે જામીન અરજીનો સરકારી વકીલ મહેશ જોશીએ કાયદાકીય દલીલો રજુ કરી વિરોધ કર્યો હતો.બને પક્ષોની દલીલ તથા રેકર્ડ પર રજુ થયેલા પુરાવાઓને ધ્યાને લઇ જજ એચ.આર.રાવલે બને આરોપીઓની જામીન અરજી રદ કરી હતી.આ કામમાં સરકાર પક્ષે એ.પી.પી. મહેશ જોશી રોકાયા હતા.