ટંકારાના લજાઈ ગામમાં રબારી સમાજનો સામાજીક બહિષ્કાર?

તમામ ગ્રામજનો દ્વારા બહિષ્કાર; વ્યવહાર રાખનારને થશે દંડ
મોરબી તા,13
ટંકારા તાલુકાના લજાઈ ગામે ખળાવાડના પ્રશ્ને રબારી સમાજ દ્વારા પેશકદમી કરવામાં આવતી હોય અને પાટીદાર તેમજ અન્ય સમાજના લોકોએ તેનો વિરોધ કર્યો હોય જે મામલે કરવામાં આવેલી કોર્ટ કાર્યવાહીથી નારાજ ગ્રામજનોએ રબારી સમાજનો સામાજિક બહિષ્કાર કરવાનો સામુહિક નિર્ણય કર્યો છે.
મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના લજાઈ ગામમાં આવેલા ખળાવાડમાં ખેડૂતોને સરકારી જમીન પર પોતાનો માલ રાખવાની સગવડ આપવામાં આવી હોય જોકે આ ખરાવાડમાં રબારી સમજે વાડા અને ઉકરડા બનાવી દીધા હોય અને આ જગ્યામાં પેશકદમી કરવાની હિલચાલ કરવામાં આવતી હોય. જેનો પ્રથમ પાટીદાર સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને ગત સપ્તાહે વિરોધને પગલે રબારી સમાજ દ્વારા આ અંગે કોર્ટ કેસ કર્યો હોય. જેથી હવે અન્ય સમાજ રબારી સમાજ પાસેથી દૂધ ના લેવું, હોટલે ચા ના પીવી, તેના છકડા રીક્ષામાં ના બેસવું, ખેતરમાં ઢોર ઢાખર પ્રવેશવા ના દેવા, તેમણે દુકાન પર કરિયાણું ના આપવું. તેમજ તેમને લગ્ન પ્રસંગમાં આમંત્રણ ના આપવું અને કોઈ જાતનો વ્યવહાર કરવો નહી તેવું નક્કી કર્યું છે તો રબારી સમાજ સાથે વ્યવહાર રાખનાર માટે દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે.
જેમાં બાઈકમાં કે ઓટલા પર બેસવાના 500, ચા પીવા જાય તો 500, જમવાના નોતરાના 5000 તેમજ ઢોર જો ખેતરમાં આવે તો 10 હજાર સુધીનો દંડ લેવાનું પણ નક્કી કરાયું છે રબારી સમાજના સામાજિક બહિષ્કાર મામલે ગામના સરપંચ મનસુખભાઈ પટેલ સાથે વાતચીત કરતા તેમણે બહિષ્કારની બાબતને સમર્થન આપ્યું હતું તેમજ આ મામલે આજે સર્કલ ઓફિસર અને મામલતદાર દ્વારા પંચરોજકામ કરવા અધિકારીઓએ ગામની મુલાકાત લીધી હોવાનું પણ જણાવ્યું હતું.