આંબેડકરનગરની મહિલાને ભાડુઆત દંપતી સહિત ત્રણની મારી નાખવાની ધમકી


રાજકોટ તા.13
શહેરના આજી વસાહતમાં આવેલા આંબેડકરનગરમાં રહેતી મહિલાને તેના ભાડુઆત દંપતી સહિત ત્રણ શખ્સોએ ફોન પર મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ પોલીસ ચોપડે નોંધાતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. આજી વસાહતમાં આવેલા આંબેડકરનગર શેરી નં.ર માં રહેતા ઉષાબેન જેઠાભાઇ ચૌહાણ (ઉ.વ.રપ) નામની મહિલાએ થોરાળા પોલીસ મથકમાં જેતપુરમાં રહેતા અમીત કેશુ પરમાર અને તેની પત્ની નીતા તથા અમીતા સાળા ઘનશ્યામ ઉર્ફે મહેશ રમેશ પરમાર (રે.ચુડા) વિરૂધ્ધ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યા મુજબ અમીત અને તેની પત્ની અગાઉ ઉષાબેનના મકાનમાં ભાડુઆત તરીકે રહેતા હતા. જ્યારે તેનો સાળો ઘનશ્યામ ઉષાબેનની નાની બહેનને ભગાડી ગયો હતો. જે પરત આવી ગઇ હતી પરંતુ આરોપીઓ ફોન પર નાની બહેનને મોકલી દેવાનું કહી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનું જણાવતા એએસઆઇ જે.કે. જાડેજાએ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.