ટ્રેક્ટર કૌભાંડમાં મુંબઈ, મહેસાણા, અમદાવાદ ખાતે ભરાયેલા ખેડૂતોના 414 ફોર્મ કબ્જે કરતી પોલીસ


રાજકોટ તા,13
રાજકોટ સહીત રાજ્યભરમાં અને અન્ય રાજ્યોમાં પણ સભ્ય બનાવી ટ્રેક્ટર અને ખેતઓજારો તેમજ પશુ અર્ધી કિંમતે અપાવવાની લાલચ આપી 400થી વધુ ખેડૂતોને શીશામાં ઉતારી કરોડો રૂપિયાનું કૌભાંડ આચરનાર ટોળકીની રાજકોટ, મુંબઈ, અમદાવાદ અને મહેસાણાની ઓફિસમાં તલાસી લેતા સભ્ય બનેલા 414 ખેડૂતોના ફોર્મ મળી આવ્યા હતા જે
પૈકી માત્ર 159 જ ખેડૂતોને ટ્રેકટર આપવામાં આવ્યા હોવાનું તેમજ બાકીના અર્ધા નાણાં માટે આ ટોળકી દાતાઓ પાસે ડોનેશન માંગતી હોવાનું જાણવા મળ્યું છે વધુ
તપાસ અર્થે આરોપીઓના વધુ રિમાન્ડ મેળવવા કોર્ટમાં રજૂ
કરવામાં આવશે.
રાજકોટ શહેરના યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં અર્ધ ભાવે ટ્રેક્ટર, ખેતઓજારો અને પશુ અપાવવાની લાલચ આપી રાજ્યભરમાં કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવા અંગે નોંધાયેલી ફરિયાદના મૂળ સુધી પહોંચવા એસઓજીની ટીમે જંપલાવ્યું છે એસઓજી પીએસઆઇ એચ એમ રાણા સહિતના સ્ટાફે તપાસ કરતા રાજકોટ, મુંબઈ, અમદાવાદ, મહેસાણા, ભચાઉ, જૂનાગઢ સહિતના શહેરોમાં આ કંપનીની ઓફિસમાં તલાસી લેતા ત્યાંથી 414 સભ્યોના ફોર્મ કબ્જે કરવામાં આવતા હતા આરોપીઓ વિવેક દવે, સંદીપ શર્મા, મુકુંદ પરમાર, મહેશ ભાટિયા, અરુણા નાઈ, માહેશ્વરી અગ્નિહોત્રી રિમાન્ડ પર છે પોલીસની જુદી જુદી ત્રણ ટિમો તપાસમાં દોડાવાઈ છે ખેડૂતોને જે અમદાવાદની કંપનીના ટ્રેક્ટર આપવામાં આવ્યા છે તે એજન્સીઓમાં તપાસ કરી ત્યાંથી પણ જરૂરી દસ્તાવેજો કબ્જે કરવામાં આવ્યા છે.
પોલીસ દ્વારા કબ્જે કરાયેલ 414 ફોર્મ પૈકી આરોપીઓની પૂછતાછમાં 159 ખેડૂતોને જ ટ્રેક્ટર આપવામાં આવ્યા હોવાની કબૂલાત આપી હતી જયારે બાકીના 255 સભ્યોના ટ્રેક્ટરના અર્ધા પૈસા અને સભ્ય ફી બારોબાર હજામ કરી ગયા હોવાનું જાણવા મળ્યું છે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદના આ ભેજાબાજો ખેડૂતોને મદદ કરવાના બહાના હેઠળ વિવિધ દાતાઓ પાસેથી ડોનેશન માંગતા હતા અને દાતાઓનું ડોનેશન પણ ચાઉં કરી ગયા હતા આરોપીઓના રિમાન્ડ પુરા થતા હોય તપાસ બાકી હોય વધુ તપાસ અર્થે આરોપીઓને વધુ રિમાન્ડ મેળવવા કોર્ટમાં રજૂ કરવામાં આવશે. વડોદરામાં પણ ચીટિંગની ફરિયાદ
ટ્રેક્ટર કૌભાંડમાં સંડોવાયેલ વિવેક દવે અને તેની પત્ની શ્વેતા દવે સામે વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાં રાજકોટના એક વેપારીએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે રાજકોટના મોબાઈલના વેપારી વિશાલ શિંગાળાએ જાહેરાત વાંચી ન્યુ લિંક લોજિસ્ટિક કંપનીના વિવેક દવે અને તેની પત્ની પાસેથી ટ્રાન્સપોર્ટ ફ્રેન્ચાઈજી લીધી હતી અને એ પેટે પાંચ લાખ રૂપિયા લીધા હતા અને બાકીના પૈસા પરત નહિ આપી ઠગાઈ કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી.